દીકરી એ આંગણાનું અજવાળું છે પણ શિક્ષિત દીકરી એ સમાજનું અજવાળું છે. કન્યાપૂજા અને કન્યાની શારદા સાધના એ ભારતની મહાન પરંપરા છે તે હેતુસર વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-1 અને ધોરણ – 2 થી 8માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોનું ભવ્ય રેલી , સામૈયાથી વાજતે ગાજતે સ્વાગત કરી મહેમાનો દ્વારા કુમકુમ તિલકથી વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ બાળકો દ્વારા સુંદર પ્રાર્થના , સ્વાગત ગીત અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા . આ સાથે બાળકોને વાલી મંડળ તરફથી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. સંસ્થાના મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈ , બ્રહ્મા કુમારીશ્રી ફાલ્ગુનીબેન,ચાર્લી ટ્રસ્ટના સંસ્થાપક શ્રી જયરૂપભાઈ ચૌહાણ અને સી.આર.સી. સમીરભાઈ સિરકે જેવા મહાનુભાવોએ માનવંતી હાજરી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ તમામ પ્રવેશ પામેલ ભાળકોને શુભેચ્છા પાઠવી હતી.શાળાના આચાર્યાશ્રી ગૌરીબેનના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમની સરસ તૈયારી કરી અને પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો.