Mrs. Gauriben G. Zala

                વનિતા વિશ્રામ સંસ્થાના સ્થાપક સ્વ. બાજીગૌરીબેન ડી. મુનશી અને સ્વ. શિવગૌરીબેન કે. ગજ્જરને નતમસ્તક પ્રણામ.

             વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં છેલ્લા ૨૮ વર્ષથી શિક્ષક તરીકેનું કાર્ય કરનાર. હું ગૌરીબેન જી. ઝાલા શાળાના ટ્રસ્ટીગણનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કે જેમણે મને શાળાનો કાર્યભાર સંભાળવાનો મોકો આપ્યો. વનિતા વિશ્રામ સંસ્થાની સ્થાપના અખા ત્રીજ તા:-૧૫/૦૪/૧૯૦૭ ના દિને કરવામાં આવી, તેની સાથે ત્યકતા, વિધવા અને નિરાધાર બહેનોને રક્ષણ અને શિક્ષણ મળે તે હેતુથી બાળવર્ગની શરૂઆત કરવામાં આવી હતી. જે હાલમાં ધોરણ ૧ થી ૮ના વર્ગમાં પરિવર્તિત થઇ વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા તરીકે શિક્ષણ આપી રહી છે. જેમાં ૪૬૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે.

          શાળામાં શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણકાર્ય ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, સ્પર્ધા, પ્રવાસ તેમજ બાળાના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે રીતે જુદી-જુદી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ શાળામાં સમાજમાંથી મધ્યમ અને આર્થિક પરિસ્થિતિની બાળાઓ આવે છે. તમામ પ્રવૃત્તિઓમાં ઉમંગથી ભાગ લઇ ઇનામને પાત્ર બને છે. જેમને સંસ્થા તરફથી ઇનામ આપી શાળા પ્રોત્સાહિત કરે છે.

                ઈ.સ. ૧૯૫૦ માં સરકારશ્રી તરફથી પ્રાયોગિક શાળા તરીકે મંજુરી મળી હતી. શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શિક્ષિકાઓએ ક્ષમતાકેન્દ્રીય અભ્યાસક્રમની તાલીમ તજજ્ઞો પાસેથી લીધી છે.

               “બહુજન હિતાય બહુજન સુખાય” ના સૂત્રને અનુસરતી અમારી શાળા એટલે નક્કર અને અર્થપૂર્ણ પ્રદાન કરતી શક્તિને પોંખતી, આરાધતી અને કેળવતી છેક ઈ.સ. ૧૯૦૭ થી કાર્યરત આજે વટવૃક્ષમાં પરિણમેલી આ પ્રતિષ્ઠિત સંસ્થાના બહોળા અને દીર્ઘદ્રષ્ટિ, શક્તિવાન, એવા કર્ણધારો અને સમગ્ર પરિવાર સહિત વનિતા વિશ્રામ શિક્ષણ સંસ્થાની પરદાદી સમી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાએ લગભગ ૧૧૧ વર્ષ પરિપૂર્ણ કર્યા છે. આધુનિક સમયની માંગને અનુરૂપ શિક્ષણના સર્જનાત્મક અને પ્રગતિવાદી મનોબળ કેળવાય તે હેતુસર ૧૦૦% પગાર ગ્રાન્ટ લેતી શાળા હોવાથી બાળકોને ફી લેવાતી નથી. ઈ-બોર્ડ અને કમ્પ્યૂટરની નજીવી ફી લઇ ખુબ જ સુંદર શિક્ષણ બાળાઓને મળતું રહે છે.

         જેમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી અમારી વ્હાલી દીકરીઓ હંમેશા અવ્વલ રહી છે. શાળાના શૈક્ષણિક સ્ટાફ, વાલી મિત્રો અને વિદ્યાર્થીનીઓ થકી શાળા સતત પ્રગતિ ના પંથે અગ્રેસર છે.

             એક જ મહેચ્છા છે કે અમારી શાળાનું નામ શિક્ષણ જગતમાં હંમેશા ગુંજતું રહે અને અમારા બાળદેવરૂપી વ્હાલી દીકરીઓની સુગંધ ચોમેર પ્રસરતી રહે.

              વનિતા વિશ્રામ પરિવારને ભાવથી અંતરથી અભ્યર્થના.