ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતો આ તહેવારનું મહત્વ બાળકોને સમજાય અને જ્ઞાાન તેમજ સિંચન સંસ્કાર ભુલકાઓ પ્રાપ્ત કરી શકે તે માટે વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાળામાં ધોરણ ૭ અને ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ગુરુપૂર્ણિમા વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા. તો કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુભક્તિના સુંદર ભજનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રસંગને અનુરૂપ ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય દ્વારા સ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત શાળાના શિક્ષિકા જયશ્રીબેન પાઠક દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા ગૌરીબેન ઝાલા દ્વારા વર્તમાન સમયમાં શિક્ષણ અને ગુરુભક્તિ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું . આમ, વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિ સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ,જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપુર્વક જોડાયાં હતાં.